જેમનો અવાજ સાંભળીને લોકો ઘણીવાર લતા મંગેશકર સમજી બેસતા, એ સૂરવીર ગાયિકા સુમનજીએ દુનિયાને અલવિદા કહ્યું
ભારતીય સંગીત જગત માટે વધુ એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આશા ભોંસલેના નિધનના થોડા અઠવાડિયા બાદ જ સંગીત ક્ષેત્રને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પોતાના મધુર અને મંત્રમુગ્ધ કરી દેનારા સૂરથી દેશ વિદેશના શ્રોતાઓને ઘેલા કરનાર પ્રખ્યાત પ્લેબેક સિંગર સુમન કલ્યાણપુરનું રવિવાર, ૩૧ મેના રોજ ૮૯ વર્ષની વયે અવસાન થયું છે. તેમના જવાથી સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે.
છ દાયકાની અવિસ્મરણીય સંગીત સફર
સુમનજી પોતાના પાછળ છ દાયકાથી પણ લાંબો ભવ્ય સંગીત વારસો છોડી ગયા છે. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી અને ઓડિયા સહિત ઘણી પ્રાદેશિક ભાષાઓમાં કાનને અમીછાંટણા કરે તેવા ગીતો ગાયા હતા.
એવરગ્રીન હિન્દી ગીતો
"ના ના કરતે પ્યાર તુમ્હી સે", "તુમને પુકારા ઔર હમ ચલે આયે" અને "ના તુમ હમેં જાનો" જેવા ગીતો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.
મોહમ્મદ રફી સાથેની જોડી
બોલિવૂડના દિગ્ગજ ગાયક મોહમ્મદ રફી સાથેના તેમના જુગલબંધીવાળા ગીતો અત્યંત લોકપ્રિય થયા હતા.
બહુમુખી પ્રતિભા
ફિલ્મી ગીતો ઉપરાંત તેમણે ભજન, ગઝલ અને મરાઠી અભંગો ગાઈને પોતાની ગાયકીની વિવિધતા સાબિત કરી હતી.
ચિત્રકળાથી સંગીત સુધીની સફર
૨૮ જાન્યુઆરી ૧૯૩૭ના રોજ ઢાકા (અવિભાજિત ભારત)માં જન્મેલા સુમનજીએ શરૂઆતમાં મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો હતો. પરંતુ, વિધાતાએ તેમના ભાગ્યમાં સંગીત લખ્યું હતું. પંડિત કેશવરાવ ભોલે અને ઉસ્તાદ ખાન અબ્દુલ રહેમાન ખાન જેવા મહાન ગુરુઓ પાસેથી તાલીમ લઈને તેમણે ૧૯૫૪માં પોતાની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમની મધુર કૂંજ જેવો અવાજ લતા મંગેશકરને ખૂબ મળતો આવતો હતો.દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક:તેમના નિધનની ખબર મળતા જ રાજકીય અને બોલિવૂડ જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. શરદ પવાર અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિતના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સદગત આત્માને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.